મહારાષ્ટ્રના ઔરંગાબાદ નગર નિગમ કાર્યાલયમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં એ સમયે માર-પીટ શરુ થઇ ગઈ જયારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના કાઉન્સિલરે આ કાર્યક્રમનો વિરોધ કર્યો. ભાજપના કાઉન્સિલરો પર આરોપ છે કે ઓવૈસીની પાર્ટીના કાઉન્સિલર સૈયદ મતિન સાથે માર-પીટ કરી.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના નગર નિગમની સામાન્ય બેઠકમાં થઇ હતી.નિગમની બેઠક શરુ થવા પર ભાજપ કાઉન્સિલર રાજુ વૈદ્યએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. એઆઇએમઆઇએમના કાઉન્સિલર સૈયદ મતિને આનો વિરોધ કર્યો હતો. આનાથી ભાજપના સદસ્યો નારાજ થઇ ગયા અને એમણે સદનમાં જ મતિન સાથે કથિત માર-પીટ કરી હતી.
ભાજપ કાઉન્સિલરો દ્વારા મતિન પર કથિત રીતે હુમલો અને માર-પીટનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તથા કેટલીક ટીવી ચેનલોએ આનું પ્રસારણ પણ કર્યું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે નિગમના સુરક્ષા અધિકારીઓ મતિનને બચાવીને સદનની બહાર લઇ જાય છે. બાદમાં એમને નજીકની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ભાજપના એક કાઉન્સિલરે કહ્યું કે એઆઇએમઆઇએમ સદસ્ય હંગામો કરતા રહ્યા છે. તેમજ તેઓ સદનમાં રાષ્ટ્રીય ગીત ગાવાનો પણ વિરોધ કરી ચુક્યા છે. મતિનએ કહ્યું કે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનો તેઓ લોકતાંત્રિક રીતે વિરોધ કરી રહ્યા હતા. પરંતુ લગભગ એક ડઝન ભાજપ કાઉન્સિલરોએ એમના પર હુમલો કર્યો.
આ ઘટનાના થોડા સમય પછી એઆઇએમઆઇએમના કથિત સમર્થકોએ એક સ્થાનિક ભાજપ પદાધીકારીની કારને ક્ષતિગ્રસ્ત કરી હતી. અને ડ્રાઈવર સાથે માર-પીટ કરી હતી. ભાજપ કાઉન્સિલર પ્રમોદ રાઠોડે માંગ કરી છે કે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો વિરોધ કરવાના રાષ્ટ્રવિરોધી પગલાં માટે મતિનને નગર નિગમમાંથી હાંકી કાઢવામાં આવે.
ઔરંગાબાદ નગર નિગમના ઉપ મેયર વિજય સાંઈનાથ ઔતાડે એ સીટી ચોક પોલીસ સ્ટેશનમાં મતિન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે મતિન વિરુદ્ધ આઇપીસી કલમ 153એ અને 294 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.