નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણીઓના પ્રચાર પ્રસાર દરમિયાન કરવામાં આવી રહેલા સંવાદના સ્તરમાં આવેલા અવનવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પર હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ અંગે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ દ્વારા ભાષાના આ સ્તર અંગે PM મોદીને એક સલાહ આપવામાં આવી છે.
પૂર્વ વડાપ્રધાને નરેન્દ્ર મોદીને પોતાના સાર્વજનિક ભાષણો દરમિયાન ભાષાનું સ્તર જાળવવા તેમજ સંયમ રાખવા માટે સલાહ આપી છે.
કોંગ્રેસ પાર્ટીના નેતા મનોજ તિવારીના પુસ્તક “ફેબલ્સ ઓફ ફ્રેક્ચર્ડ ટાઈમ્સ”ના વિમોચન દરમિયાન ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રીને મારી સલાહ છે કે, તેઓ સયંમ જાળવે જે એક દેશના પીએમ જેવું હોય. પીએમ મોદી જે રાજ્યમાં જાય છે અને ત્યાં ભાજપનું શાસન નથી, ત્યારે તેઓનું દાયિત્વ બને છે કે, તેઓ એ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે જેનો સામાન્ય રીતે કરી રહ્યા છે”.
તેઓએ વધુમાં કહ્યું, “તેઓ પોતે અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ક્યારેય પણ આ પ્રકારનો ભેદભાવ કરવામાં આવ્યો નથી, જે પ્રકારે મોદી રોજ કરી રહ્યા છે. અમારા દ્વારા ક્યારેય પણ ભાજપશાસિત રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથી અને તે અંગે MPના મુખ્યમંત્રી પોતે જ પ્રમાણ આપે છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં હાલમાં ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલો ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે પીએમ મોદી દ્વારા પણ સતત કોંગ્રેસ પાર્ટી પર હુમલો બોલવામાં આવી રહ્યો છે.